અમદાવાદ।શહેરમાં દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂના જથ્થાની હેરફેર ચાલુ હોવાની ફરી એકવાર પોલ ખુલી છે. સ્થાનિક પોલીસની જાણ બહાર વિવિધ એજન્સીઓ દ્વારા ગોમતીપુર અને માધુપુરા વિસ્તારમાં દરોડા પાડી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો છે. બંને અલગ અલગ કાર્યવાહી દરમિયાન કુલ ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગોમતીપુરમાં વહેંચાણ પહેલાં જ દરોડો
ઝોન-5 એલસીબી સ્ક્વોડને મળેલી ચોક્કસ માહિતીના આધારે ગોમતીપુર વિસ્તારમાં વિવેકાનંદનગર પાસે ખુલ્લી જગ્યામાં દારૂનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. ટીમે સ્થળ પર પહોંચીને દરોડો પાડતા ત્રણ વ્યક્તિઓ ટુ-વ્હીલરની ડીકીમાંથી બોક્સ કાઢી દારૂ વહેંચવાની તૈયારી કરતા જોવા મળ્યા હતા.
પોલીસને જોઈને એક વ્યક્તિ ભાગી છૂટ્યો હતો, જ્યારે નરેશ ચૌહાણ (અસારવા) અને સુશાંત શર્મા (રામોલ)ને ઝડપી લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન કુલ 336 જેટલા વિદેશી દારૂના ક્વાર્ટર મળી આવ્યા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું કે દારૂનો જથ્થો વિપુલ પટણી નામના બુટલેગરનો હતો અને તેનો સાથી આકાશ ઉર્ફે ડૂમો સ્થળ પરથી ફરાર થઈ ગયો.
ટ્રાન્સપોર્ટ ગોડાઉન બહારથી દારૂ મળ્યો
બીજી કાર્યવાહી દરમિયાન પોલીસ કમિશનર સ્ક્વોડને માહિતી મળી હતી કે પ્રેમદરવાજા બહાર આવેલા ટ્રાન્સપોર્ટ ગોડાઉન પાસે પુઠાના કાર્ટનમાં વિદેશી દારૂ લાવવામાં આવ્યો છે. ટીમે ત્યાં પહોંચી તપાસ કરતા અનેક બોક્સ મળી આવ્યા હતા.
શંકાસ્પદ બોક્સ ચકાસતા ચપ્પલના કાર્ટનમાં છુપાવી રાખેલી 32 મોંઘી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. સ્થળ પર હાજર મજૂરે જણાવ્યું હતું કે માલ ટ્રાન્સપોર્ટ મારફતે આવ્યો હતો અને તેને ઉતારવાનું કામ તે કરતો હતો.
સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર કાર્યવાહી
માધુપુરા વિસ્તારમાં થયેલી કાર્યવાહી દરમિયાન એજન્સીઓએ લાંબા સમય સુધી રાહ જોઈ છતાં કોઈ માલ લેવા આવ્યું નહોતું. બિલ્ટી ચકાસતા દિલ્હી અને અમદાવાદની ફર્મોના નામ સામે આવ્યા હતા.
આ સમગ્ર કાર્યવાહી સ્થાનિક પોલીસ સ્ટેશનને પૂર્વ જાણ કર્યા વગર કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેના કારણે ફરી એકવાર શહેરમાં દારૂબંધી અમલ અંગે પ્રશ્નો ઊભા થયા છે.
પોલીસે બંને કેસમાં ગુનો નોંધાવી દારૂ સપ્લાય ચેઇન સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે।




